એક ... બે ... ત્રણ.... ના અમારે ના જોઈએ એકપણ....
ત્રણ કૃષિ કાયદા જેનો ખુબ વિરોધ થયો હતો . જે હવે લાગુ નહિ પડે એવો આદેશ સુપ્રીમ કોર્ટમાંથી પણ આવી ગયો છે . જે સૌ જાણીએ છીએ પરંતુ શા માટે વિરોધ થયો ? અને શુ હતા આ કાયદા તે વિષે ચાલો વિસ્તારથી જાણીએ.
1) ખેડૂતોના ઉત્પાદન વેપાર અને વાણિજ્ય (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) અધિનિયમ
- આ કાયદામાં એક એવી ઇકોસિસ્ટમ બનાવવાની જોગવાઈ હતી. જ્યાં ખેડૂતો અને વેપારીઓને રાજ્યની APMC (એગ્રીકલ્ચર પ્રોડ્યૂસ માર્કેટ કમિટી)ની રજિસ્ટર્ડ મંડીઓથી બહાર પણ પાક વેચવાની છૂટ હશે. જેથી ખેડૂતો અને વેપારીઓ પોતાની મરજી મુજબ પાક વેચાણ અને ખરીદી કરી શકશે.
- આ કાયદામાં ખેડૂતોના પાકને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અને પોતાના રાજ્યમાં પણ કોઈ પણ જાતની રોકટોક વગર વેચાણ કરવાની વાતને ઉત્તેજન અપાયું છે. જેથી ખેડૂતો રાજ્યના એપીએમસી એક્ટ અંતર્ગત નિશ્ચિત વિસ્તાર બહાર પણ પોતાની ઉપજ વેચી શકે.
- તેમજ બિલમાં ખેડૂતોને તેમની ઉપજના વેચાણ પર કોઈ કર ચૂકવવો પડશે નહિ તેમજ માલ મોકલવાનો ખોટો ખર્ચ કરવો પડશે નહીં. જેથી ખેડૂતોને સારી કિંમત મળી શકે.
- ઈલેક્ટ્રોનિક રીતે સીમલેસ વેપાર સુનિશ્ચિત કરવા માટે આ બિલ ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મમાં ઈલેક્ટ્રોનિક ટ્રેડિંગનો પ્રસ્તાવ પણ આપે છે. જેમાં ઇલેક્ટ્રોનિક વેપારી માટે એક સુવિધાજનક માળખું પૂરું પાડવાની વાત પણ કરાઈ છે
- એપીએમસી મંડીઓ ઉપરાંત ફાર્મગેટ, કોલ્ડ સ્ટોરેજ, વેરહાઉસ, પ્રોસેસિંગ યુનિટ વગેરે પર વેપાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી હતી.
- ખેડૂતો પ્રત્યક્ષ માર્કેટિંગમાં જોડાઈ શકશે અને જેનાથી વચેટિયાઓને દૂર થેશે જેના પરિણામે ખેડૂતોને ઉપજની સંપૂર્ણ કિંમતો મળશે.
શા માટે આ કાયદાનો વિરોધ થયો હતો????
- જો આ કાયદો અમલમાં આવશે તો ખેડૂતોને સરકાર તરફથી મળતા ન્યુનતમ ટેકાના ભાવ બંધ થઈ જશે
- જો મંડીઓની બહાર ખેતપેદાશો વેચવામાં આવશે, મંડીઓ કામ કરવાનું બંધ કરશે અને તેનાથી ખેડૂતોને વેપારીના e-NAM જેવા સરકારી ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પોર્ટલ નું ભવિષ્ય કેવું હશે.
2) ખેડૂતો (સશક્તિકરણ અને સંરક્ષણ) એગ્રીમેન્ટ ઓફ પ્રાઇસ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ કાયદો, 2020
- આ કાયદા અંતર્ગત ખેડૂતો કૃષિ વેપાર કરનાર પેઢી, પ્રોસેસર્સ, જથ્થાબંધ વેપારી, નિકાસકારો કે મોટા છૂટક વિક્રેતાઓ સાથે કૉન્ટ્રેક્ટ કરીને પહેલાંથી જ કરાર આધારિત કિંમત પર ભવિષ્યમાં પોતાના પાકનું વેચાણ કરી શકે છે. તેમજ જો ભવિષ્યમાં બજાર ભાવ ઊંચા હોય તો ખેડૂત પોતાની લઘુત્તમ કિંમત ઉપરાંત તે ભાવ મેળવવાને પણ પાત્ર બનશે.
આ કાયદામાં કૃષિ કરારો (કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ)નો ઉલ્લેખ કરાયો છે. તેમાં કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ માટે એક રાષ્ટ્રીય ફ્રેમવર્ક બનાવવાની જોગવાઈ કરાઈ છે.
- પાંચ હેક્ટરથી ઓછી જમીનવાળા ખેડૂતો કૉન્ટ્રેક્ટથી લાભ મેળવી શકશે.
-બજારની અનિશ્ચિતતાનો ખતરો ખેડૂતના સ્થાને કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ કરાવનારા આયોજક પર નાખવામાં આવ્યો છે.
- કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરવા માગતા ખેડૂતોને ગુણવત્તાવાળાં બીજનો પૂરવઠો મળી રહે તે સુનિશ્ચિત કરવું, ટૅક્નિકલ સહાયતા અને પાકના સ્વાસ્થ્ય પર નજર, ઋણની સુવિધા અને પાક વીમાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે.
- આ અંતર્ગત ખેડૂતો મધ્યસ્થીને હઠાવીને સારી કિંમત મેળવવા માટે સીધા બજારમાં જઈ શકે છે.
- કોઈ વિવાદની સ્થિતિમાં એક નિશ્ચિત સમયમાં ઉકેલ લાવવા માટે ફરિયાદ તંત્ર સ્થાપિત કરવાની વાત પણ ઉલ્લેખાઈ છે.
શા માટે આ કાયદાનો વિરોધ થયો હતો???
- કોન્ટ્રાક્ટ ફાર્મિંગ હેઠળ ખેડૂતો દબાણ હેઠળ રહેશે અને તેઓ કિંમતો નક્કી કરી શકશે નહીં.
- નાના ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કેવી રીતે કરી શકશે, તેમનાથી તો મોટી કંપનીઑ દૂર જ રહેશે.
- નવી સિસ્ટમ ખેડૂતો માટે મુશ્કેલીરૂપ બનશે અને વિવાદના કિસ્સામાં મોટી કંપનીઓને જ ફાયદો થશે.
3) આવશ્યક ચીજવસ્તુઓ (સુધારો) કાયદો, 2020
- આ કાયદામાં અનાજ, કઠોળ, ઓઇલ સીડ, ખાદ્ય તેલ, ડુંગળી અને બટેટાંને આવશ્યક વસ્તુઓની યાદીમાંથી હઠાવવાનો અર્થ એ થયો કે માત્ર યુદ્ધ જેવી ‘અસાધારણ પરિસ્થિતિઓ’ને બાદ કરતાં હવે મનફાવે એટલો સ્ટૉક રાખી શકાશે.
- આ કાયદાથી ખાનગી સેક્ટરનો કૃષિ ક્ષેત્રમાં ડર ઓછો થશે કારણ કે અત્યાર સુધી વધુ પડતા કાયદાકીય હસ્તક્ષેપના કારણે ખાનગી રોકાણકારો આ ક્ષેત્રમાં આવતાં ગભરાતાં હતા.
- કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધશે, કોલ્ડ સ્ટોરેજ અને ફૂડ સપ્લાઈ ચેઇનનું આધુનિકીકરણ થશે.
- આ કાયદો અમુક વસ્તુના મૂલ્યમાં સ્થિરતા લાવવામાં ખેડૂતો અને ગ્રાહકો બંનેને મદદ કરશે.
- બજારનું વાતાવરણ હરિફાઈવાળું બનશે પાક નુકસાનીમાં ઘટાડો થશે.
શા માટે આ કાયદાનો વિરોધ થયો???
- જ્યારે અસાધારણ પરિસ્થિતિઓ નિર્માણ થશે ત્યારે કિંમતોમાં જબરદસ્ત વધારો થશે જેને બાદમાં નિયંત્રિત કરવાનું મુશ્કેલ બનશે.
- મોટી કંપનીઓ પાસે વધારે સ્ટૉક રાખવાની ક્ષમતા હશે. તેનો અર્થ એ થયો કે પછી તે કંપનીઓ ખેડૂતોને પોતાના માફક કિંમતો નક્કી કરવા માટે મજબૂર કરશે



.jpg)
0 ટિપ્પણીઓ